રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. 190 નો ઘસરકો, ચાંદીમાં સટ્ટાકીય લેવાલીએ રૂ .1934નો ઉછાળો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ રહ્યા બાદ આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 1934નો ઉછાળો આવ્યો હતો. જોકે, સોનામાં દરિયાપારની બજારોનાં પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં 36 પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી તેમ જ ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 189થી 190નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક સુધારાતરફી વલણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1934ના સુધારા સાથે રૂ. 94,863ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ખાસ કરીને રૂપિયામાં મજબૂત વલણ અને ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વિશ્વ બજારથી વિપરીત 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 189 ઘટીને રૂ. 92,790 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 190 ઘટીને રૂ. 93,163ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટૅરિફ યોજનાઓની અનિશ્ચિતતા, વૈશ્વિક ટ્રેડ વૉરની આશંકા અને તેને કારણે આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ હેઠળ હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 3230.48 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.6 ટકા વધીને 3245.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3245.72 ડૉલરની નવી ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 32.36 ડૉલરની સપાટીએ ટકેલા રહ્યાના અહેવાલ હતા.
એકંદરે સોનામાં તેજીને ટેકો આપતા તમામ પરિબળો છે, પરંતુ એકતરફી તેજી જોવા ન મળતાં આંચકાઓ પચાવતી તેજી જોવા મળે તેવી શક્યતા યુબીએસનાં વિશ્લેષક ગિઓવન્ની સ્ટુઓનોએ જણાવ્યું હતું. વધુમાં અમેરિકી ફેડરલે રજિસ્ટર્ડ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે અમેરિકી વહીવટીતંત્ર આયાત ટેરિફ લાદવા માટે ફાર્માસ્યુટિકલ અને સેમિક્નડક્ટરની આયાતની સઘન તપાસ હાથ ધરી રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગત સોમવારે જણાવ્યું હતું કે આગામી સપ્તાહે ફાર્માસ્યુટિકલ અને સેમિક્નડક્ટરની આયાત સામેના ટેરિફની જાહેરાત કરવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત એ છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં વૈશ્વિક અસ્થિરતાને ધ્યાનમાં લેતા સોનામાં હેજરૂપી માગને ટેકે સોનાના ભાવમાં 25 ટકાનો ઉછાળો આવી ગયો છે. વાસ્તવમાં જોઈએ તો અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટૅરિફ નીતિ તથા અન્ય નીતિઓને કારણે અમેરિકી અર્થતંત્ર સ્થગિત જેવું થઈ ગયું હોવાનું એટલાન્ટા ફેડના પ્રમુખ રાફેલ બોસ્ટિકે જણઆવતાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી અર્થતંત્ર અંગેનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ફેડરલ રિઝર્વ જૈસે થેની સ્થિતિ જાળવી રાખે તેમ જણાય છે.