ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગત મંગળવારે લેવાલી રહી હોવાના નિર્દેશ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે 87.89ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારનાં 87.93ના બંધ સામે સુધારાના અન્ડરટોને 87.80ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 87.96 અને ઉપરમાં 87.80ની રેન્જમાં રહ્યા બાદ અંતે ચાર પૈસાના સુધારા સાથે 87.89ના મથાળે બંધ રહ્યો હતો.

અત્રે નોંધનીય બાબત એ છે ગત મંગળવાર અને બુધવારે બજાર અનુક્રમે દિવાળી અને દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી તે પૂર્વે સોમવારે ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે 87.93ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે હાલમાં ટ્રેડરો, વૈશ્વિક પરિબળો, અમેરિકાના આર્થિક ડેટાઓ તથા રિઝર્વ બૅન્કનાં ભવિષ્યની નાણાનીતિનાં સંકેતો પર નજર રાખી રહ્યા છે.

આપણ વાંચો: ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

વધુમાં ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં બન્ને પક્ષ તરફથી સારી પ્રગતિ થઈ રહી હોવાના સંકેત આપ્યા હતા. સાથે સાથે ભારત રશિયાથી તેલની ખરીદી બંધ કરવા સહમત થયું હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.14 ટકા વધીને 99.04 આસપાસ તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 5.32 ટકા વધીને બેરલદીઠ 65.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 130.06 પૉઈન્ટનો અને 22.80 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગત મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 96.72 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button