ડૉલર સામે રૂપિયામાં નવી નીચી સપાટીએથી સાધારણ ચાર પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ ઘટાડાતરફી વલણ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે 88.19ની સપાટી સુધી ગબડી ગયા બાદ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2050.46 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં સત્રના અંતે સાધારણ ચાર પૈસાના સુધારા સાથે 88.11ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.15ના બંધ સામે સાધારણ સુધારા સાથે 88.14ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.19 અને ઉપરમાં 88.06ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે 88.11ના મથાળે બંધ રહ્યો હતો.
આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત સાથે વેપાર વાટાઘાટો થઈ રહી છે, જ્યારે બીજી તરફ તેમણે યુરોપિયન યુનિયનને પણ રશિયાથી તેલની ખરીદી કરી રહ્યા હોય તેની સામે 100 ટકા ટૅરિફ લાદવાની હાકલ કરી હતી. આમ બે તરફી વાતોને ધ્યાનમાં લેતા આજે ડૉલર સામે રૂપિયો રેન્જબાઉન્ડ રહ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 87.90થી 88.40ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 97.74 આસપાસ ક્વૉટ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.89 ટકા વધીને બેરલદીઠ 66.98 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 323.83 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 104.50 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હોવાથી રૂપિયાના સુધારાને પણ ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.