વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે 88.63ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત મંગળવારના 88.70ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.51ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.66 અને ઉપરમાં 88.49ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે સાત પૈસાના સુધારા સાથે 88.63ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ગુરુ નાનક જયંતી નિમિત્તે સ્થાનિક બજાર બંધ રહી હતી.

આ પણ વાંચો: જોખમી પરિબળોમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠે વૈશ્વિક સોનાચાંદીમાં બાઉન્સબૅક

હાલમાં રૂપિયાને ડૉલર ઈન્ડેક્સની નરમાઈનો ટેકો મળી રહ્યો છે, પરંતુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીને કારણે રૂપિયો અમુક અંશે દબાણ હેઠળ આવી રહ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું. હાલમાં બજાર વર્તુળોની નજર અમેરિકાનાં ઉત્પાદન અને બિન ઉત્પાદનના પીએમઆઈ સહિતનાં આર્થિક ડેટાઓની જાહેરાત પર છે. તેમ છતાં અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 88.40થી 88.90 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દરમિયાન ગત ઑક્ટોબર મહિનાનો દેશનો સર્વિસીસ પીએમઆઈ ઈન્ડેક્સ આગલા સપ્ટેમ્બર મહિનાના 60.9 સામે ઘટીને 58.9ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 148.14 પૉઈન્ટનો અને 87.95 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1067.01 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. આ ઉપરાંત બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.10 ટકા વધીને બેરલદીઠ 64.22 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.23 ટકા ઘટીને 99.83 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને અમુક અંશે ટેકો મળ્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button