વેપાર
ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ

મુંબઈ: અમેરિકાના ફુગાવાના ડેટાની આગામી બુધવારે જાહેરાત થવાની હોવાથી આજે સપ્તાહના આરંભે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવતા ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૯૫ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૯૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૮ અને ઉપરમાં ૮૩.૯૫ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે એક પૈસો ઘટીને ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો.