ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ઉપરાંત માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી જળવાઈ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે એક પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં તિવ્ર ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૨.૮૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૦ અને ઉપરમાં ૮૨.૮૭ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૯ના મથાળે બંધ રહ્યો હતો. બજાર વર્તુળો આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના કૉર ડ્યુરેબલ ઓર્ડર અને સીબી ક્ધઝ્યુમર કૉન્ફિડૅન્સ ડેટા જેની ડૉલર ઈન્ડેક્સ પર અસર થાય તેમ હોવાથી ટ્રેડરોની નજર તેના પર સ્થિર હોવાથી કામકાજો પાંખાં રહ્યા હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા ઘટીને ૧૦૩.૬૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૧૨ ટકા વધીને બેરલદીઠ ૮૨.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૮૫.૧૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ અને તેલ આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૦૫.૦૯ પૉઈન્ટનો અને ૭૬.૩૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો સિમિત રહ્યો હતો.