ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસો નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં અટકેલા સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્ય પ્રવાહ જળવાઈ રહેવાની સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત ચોથા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી અને આગલા બંધ સામે વધુ એક પૈસો નબળો પડીને ૮૪.૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં ૧.૪ ટકા જેટલો ઘટાડો દર્શાવાઈ રહ્યો હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૪.૩૭ સામે નરમાઈના અન્ડરટોને ૮૪.૩૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૩૯ અને ઉપરમાં ૮૪.૩૭ ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે એક પૈસો ઘટીને ૮૪.૩૮ના મથાળે બંધ રહ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામો પશ્ર્ચાત્ ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહેતાં રૂપિયામાં પીછેહઠ જોવા મળી રહી છે અને છેલ્લાં ચાર સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ૨૯ પૈસાનું ધોવાણ થઈ ગયું છે. તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતી, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી જેવાં પરિબળોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસનાં ફંડોન્ટલ કરન્સી અને કૉમૉડિટી વિભાગનાં રિસર્ચ વિભાગના એસોસિયેટ વાઈસ પ્રેસિડૅન્ટ પ્રવીણ સિંઘે જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રૂપિયાને ટેકો આપી શકે છે.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે સાધારણ ૯.૮૩ પૉઈન્ટનો સુધારો અને ૬.૯૦ પૉઈન્ટનો ઘટાડો તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૪૦૪.૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૨૯ ટકા વધીને ૧૦૫.૩૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.
જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૧.૦૪ ટકા ઘટીને બેરલદીઠ ૭૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.