ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડીને ૮૩.૬૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તથા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૮ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૬૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૧ અને ઉપરમાં ૮૩.૬૪ની રેન્જમાં અથડાઈને અંતે છ પૈસાના ઘટાડા સાથે ૮૩.૬૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૪ ટકા ઘટીને ૧૦૦.૪૮ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૫૧ ટકા ઘટીને બેરલદીઠ ૭૨.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૭૩.૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી હોવાના અહેવાલ અને આયાતકારોની ડૉલરમાં વ્યાપાક લેવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.