વિદેશી ફંડોના બાહ્ય પ્રવાહ અને ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો સાત પૈસા નરમ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ, વિદેશી ફંડોનો ઈક્વિટીમાં જળવાતો બાહ્ય પ્રવાહ અને બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 10 પૈસાના ઘટાડા સાથે 89.94ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે મોડી સાંજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ અને અમેરિકા સાથેની વેપારી વાટાઘાટો પર બજાર વર્તુળોની નજર હોવાથી ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.87ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 90ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.10 અને ઉપરમાં 89.76 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસાના ઘટાડા સાથે 89.94ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 18 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્ય પ્રવાહ અને ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયો 89.70થી 90.30 આસપાસની સપાટીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.09 ટકા ઘટીને 99.12 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.26 ટકા વધીને બેરલદીઠ 62.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે 275.01 પૉઈન્ટનો અને 81.65 પૉઈન્ટના ઘટાડા અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3760.08 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના એક્સચેન્જના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



