ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે સર્વોચ્ચ નીચી સપાટીએથી પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મજબૂત વલણ જોવા મળવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહના આશાવાદ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે સર્વોચ્ચ નીચી સપાટીએથી પાછો ફરીને ૮૩.૭૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે બજારમાં ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટ જોવા મળી હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૭૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૭૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૩ અને ઉપરમાં ૮૩.૬૯ની રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૭૩ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે બજારની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા તેમ જ આગામી ૩૦-૩૧ જુલાઈનાં રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગના વિશ્ર્લેષક જતીન ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી સપ્ટેમ્બર મહિનાથી જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાનો ફેડરલ રિઝર્વ અણસાર આપે તો ડૉલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવી શકે છે.