ડૉલર સામે રૂપિયો નવ પૈસા વધીને ઐતિહાસિક નીચી સપાટીએથી પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાના ગત ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટા વધી આવ્યા હોવાના નિર્દેશો સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલની ઐતિહાસિક નીચી 88.35ની સપાટીએથી નવ પૈસાના સુધારા સાથે 88.26ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી અને અમેરિકી ટૅરિફને કારણે બજારમાં દબાણ જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.35ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.39ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.42 અને ઉપરમાં 88.24ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસાના સુધારા સાથે 88.26ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 24 પૈસા તૂટીને 88.35ની વિક્રમ નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી તેમ જ શેષ વર્ષ 2025માં 75 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સાધારણ સુધારાતરફી વલણ જોવા મળે અને 88થી 88.50 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના ઘટ્યા મથાળેથી 0.22 ટકાના સુધારા સાથે 97.74 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 355.97 પૉઈન્ટનો અને 108.50 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે બેે્ર્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 0.65 ટકા વધીને બેરલદીઠ 66.80 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3472.37 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.