વેપાર

ક્રૂડતેલના ભાવ ઘટતાં આયાતકારોની અને બૅન્કોની ડૉલરમાં વેચવાલી નીકળતાં રૂપિયામાં 50 પૈસાનું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડાનું વલણ જળવાઈ રહેવાની સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં આયાતકારોની અને બૅન્કોની વેચવાલીનું પ્રબળ દબાણ રહેતાં ડૉલર સામે રૂપિયો 50 પૈસાના બાઉન્સબૅક સાથે 89.16ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 100ની ઉપરની સપાટીએ જળવાઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારની ઐતિહાસિક નીચી 89.66ની સપાટી સામે મજબૂત અન્ડરટોને 89.46ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 89.50 અને ઉપરમાં 89.05ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 50 પૈસાના સુધારા સાથે 89.16ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં ગત 24મી ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો 98 પૈસાનો કડાકો બોલાયો હતો.

આ પણ વાંચો: પાછોતરા સત્રમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ 331 પૉઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 26,000ની સપાટી ગુમાવી…

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સ એલએલપીનાં ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવ્યું હતું કે આજે નોન ડિલિવરેબલ ફોરવર્ડ માર્કેટમાં રિઝર્વ બૅન્કે વેચાણ કરીને ડૉલરના ભાવ 89.15ના મથાળે ખોલ્યા હતા અને દિવસ દરમિયાન 89થી 89.30ની રેન્જમાં રાખ્યા હોવાથી રિઝર્વ બૅન્કના વેચાણને ધ્યાનમાં લેતા બજારમાં સાવચેતીનું વલણ રહ્યું હતું.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.02 ટકા ઘટીને 100.15 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.78 ટકા ઘટીને બેરલદીઠ 62.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 331.21 પૉઈન્ટનો અને 108.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1766.05 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button