ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી, ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો થયો હોવા છતાં દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં ગત ૨૭મી સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા સપ્તાહમાં ૧૨.૫૮૮ અબજ ડૉલરનો વધારો થયો હોવાના રિઝર્વ બૅન્કના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત શુક્રવારની જ ૮૩.૯૯ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૯૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૯ અને ઉપરમાં ૮૩.૯૫ની રેન્જમાં અથડાઈને અંતે ગત શુક્રવારના ભાવ ટૂ ભાવ ૮૩.૯૯ના મથાળે બંધ રહ્યો હતો.
તાજેતરમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધે તેવી ભીતિ હેઠળ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનો ચરૂ ઉકળી રહ્યો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં ૮૩.૮૦થી ૮૪.૨૦ની રેન્જમાં અથડાતો જોવા મળે તેવી શક્યતા બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૦૭ ટકા વધીને ૧૦૨.૫૯ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૨.૦૯ ટકા ઉછળીને બેરલદીઠ ૭૯.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૩૮.૪૫ પૉઈન્ટનો અને ૨૧૮.૮૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૮૯૬.૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના એક્સચેન્જના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.