વેપાર

ડૉલર સામે રૂપિયો 17 પૈસાના ધોવાણ સાથે નવા તળિયે…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો, આયાતકારોની ડૉલરમાં નીકળેલી વ્યાપક લેવાલી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2020.04 કરોડની ચોખ્ખી વેચવાલીનું દબાણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ 17 પૈસાના ધોવાણ સાથે 90.49ના નવા તળિયે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.32ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 90.43ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 90.56ની નવી નીચી સપાટી દર્શાવ્યા બાદ ઉપરમાં 90.28 સુધી સુધર્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસાના ઘટાડા સાથે 90.49ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયો 38 પૈસા ગબડ્યો હતો.

ગઈકાલે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ માટેની બે દિવસીય વાટાઘાટોનો અંત આવ્યો હતો અને બન્ને દેશો માટેની હિતકારી થાય તેવા કરાર અંગે ચર્ચા થઈ હતી. તેમ જ ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત થઈ હતી અને ટ્રેડ ડીલની નજીક પહોંચ્યાનો આશાવાદ વ્યક્ત કર્યો હોવાના અહેવાલ હતા.

એકંદરે ટ્રેડ ડીલમાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયો દબાણ હેઠળ રહેશે તેમ છતાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને સંભવિત રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રૂપિયામાં ઘટાડો મર્યાદિત રાખે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.07 ટકા વધીને 98.41 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.02 ટકા વધીને બેરલદીઠ 61.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 449.53 પૉઈન્ટનો અને 148.40 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button