ઈક્વિટી માર્કેટમાં રિબાઉન્ડ અને ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયો 23 પૈસા ઊંચકાયો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા સાથે ટ્રેડ ડીલ અંગે પ્રગતિ થઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ઘટ્યા મથાળેથી રિબાઉન્ડ જોવા મળ્યું હોવાથી ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 23 પૈસા ઊંચકાઈને 88.50ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.73ના બંધ સામે સાધારણ સુધારા સાથે 88.69ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.72 અને ઉપરમાં 88.50ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 23 પૈસાના સુધારા સાથે 88.50ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન પૂરું થવાના અહેવાલો સાથે ભારત સહિતનાં ઈક્વિટી બજારોમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે વિશ્વ બજારમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો આગળ ધપે તેવી શક્યતા નકારી ન શકાય.
અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ 88.30થી 88.80 આસપાસની રહી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 335.97 પૉઈન્ટનો અને 120.60 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.
પરંતુ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4114.85 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ તેમ જ વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.34 ટકા વધીને બેરલદીઠ 64.28 ડૉલર અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.03 ટકા વધીને 99.61 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



