ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડ્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ, ડૉલર ઈન્ડેક્સમાં સુધારો તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના બંધ સામે સાત પૈસા ગબડીને ૮૩.૪૮ની સપાટીએ રહ્યો હતો. જોકે, ગત બુધવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૭૭૮.૧૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતાં થોડાઘણાં અંશે ઘટાડો સિમિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ફોરેક્સ માર્કેટ રમઝાન ઈદ નિમિત્તે બંધ રહી હતી.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના ૮૩.૩૧ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૩.૩૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૮ અને ઉપરમાં ૮૩.૩૬ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે સાત પૈસા ગબડીને ૮૩.૩૮ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકા ખાતે ગત માર્ચ મહિનામાં ફુગાવામાં વધારો થયો હોવાના અહેવાલ સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૫૧ ટકા વધીને પાંચ મહિનાની ઊંચી ૧૦૫.૮૨ આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૭ ટકા વધીને બેરલદીઠ ૯૦.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૯૩.૨૫ અને ૨૩૪.૪૦ પૉઈન્ટ ઘટીને બંધ રહેતા ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.