ડૉલર સામે રૂપિયો આઠ પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે આઠ પૈસા તૂટીને ૮૩.૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૮ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૩૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૬ અને ઉપરમાં ૮૩.૩૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે આઠ પૈસા ઘટીને ૮૩.૩૬ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે મધ્ય પૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ચિંતા સપાટી પર આવવાની સાથે અમેરિકાનાં જીડીપી વૃદ્ધિ અત્યંત ધીમી પડી હોવાનાં નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવમાં વધારાને કારણે ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને ૧૦૫.૪૯ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૮ ટકા વધીને બેરલદીઠ ૮૯.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જ્યારે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૦૯.૨૮ પૉઈન્ટનું અને ૧૫૦.૪૦ પૉઈન્ટનું ગાબડું પડ્યું હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૮૨૩.૩૩ કરોડની ચોખ્ખી વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.