ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસો નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસૌ ઘટીને 88.76ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે માર્કેટમાં આજે સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ, નિકાસકારોની ડૉલરમાં વેચવાલી અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ડૉલર સામે રૂપિયો 31 પૈસા પટકાયો
ફોરેક્સટ્રેડરોનાં જણાવ્યાનુસાર અમેરિકાએ વિઝા ફીમાં કરેલા વધારાને પગલે આઈટી સર્વિસીસ ક્ષેત્રની નિકાસ પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી આજે ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટ જોવા મળી હતી. આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.75ના બંધ સામે સાધારણ સુધારા સાથે 88.65ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.70 અને ઉપરમાં 88.60ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે એક પૈસો ઘટીને 88.76ના મથાળે બંધ રહ્યો હતો.
આ પણ વાંચો : ડૉલર સામે રૂપિયો 24 પૈસા ઉછળીને બે સપ્તાહની ઊચી સપાટીએ
તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળી રહેલું સુધારાતરફી વલણ, વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા તથા રશિયા-યુક્રેન વચ્ચેનાં ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે અને 88.40થી 89.10 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે વધ્યા મથાળેથી સાધારણ 0.07 ટકા ઘટીને 97.80 આસપાસ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.39 ટકા ઘટીને બેરલદીઠ 69.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 555.95 પૉઈન્ટનો અને 166.05 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2425.75 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.