ડૉલર સામે રૂપિયો 31 પૈસા પટકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં બજારની અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હોવા છતાં ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની ચિંતા, વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 31 પૈસા પટકાઈને 88.16ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 87.85ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 87.93ના મથાળે ખુલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.16 અને ઉપરમાં 87.93ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 31 પૈસા તૂટીને 88.16ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 24 પૈસા ઊંચકાયો હતો.
આપણ વાંચો: વિશ્વ બજારમાં ડૉલર અને સ્થાનિકમાં રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 548નો ચમકારો, ચાંદી રૂ. 60 વધી
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલૅ બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો તેમ જ શેષ વર્ષ 2025માં વધુ બે વખત અને વર્ષ 2026માં એક વખત વ્યાજદરમાં કપાતના સંકેત આપ્યા હતા અને ઊંચા અમેરિકી ટૅરિફને કારણે શ્રમ બજારની તેમ જ આર્થિક વૃદ્ધિની ચિંતા વ્યક્ત કરી હોવાથી વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1124.54 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.02 ટકા વધીને 96.89 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.43 ટકા ઘટીને બેરલદીઠ 67.66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 320.25 પૉઈન્ટનો અને 93.35 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું.