વેપાર

ક્રૂડતેલ ઉછળતા રૂપિયો 44 પૈસા પટકાયો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધીને બેરલદીઠ 65 ડૉલરની નજીક પહોંચ્યાના નિર્દેશો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે 44 પૈસા પટકાઈને 90.78ની સપાટીએ બંધ રહ્યો હતો.

જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે ગત ગઈકાલે જાહેર થયેલા આર્થિક ડેટાઓમાં ગત ડિસેમ્બર મહિનામાં દેશની વેપાર ખાધ આગલા નવેમ્બર મહિનાના 24.53 અબજ ડૉલર અને ગત ડિસેમ્બર, 2024ની બાવીસ અબજ ડૉલરની ખાધ સામે વધીને 25.04 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી પણ રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.

ગઈકાલે સ્થાનિક મહાનગર પાલિકાની ચૂંટણીને કારણે સ્થાનિક બજાર સત્તાવાર ધોરણે બંધ રહ્યા બાદ આજે સત્ર દરમિયાન ભારે ચંચળતાનું વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના 90.34ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 90.37ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.89 અને ઉપરમાં ખૂલતી જ 90.37ની સપાટીની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 44 પૈસા ગબડીને 90.78ની સપાટીએ બંધ રહ્યો હતો.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત મંગળવારે રૂપિયામાં છ પૈસાનો અને બુધવારે 11 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ગત 16મી ડિસેમ્બરના રોજ ડૉલર સામે રૂપિયાએ સત્ર દરમિયાન ઐતિહાસિક 91.14ની નીચી સપાટી દાખવ્યા બાદ 90.93ની સપાટીએ બંધ રહ્યો હતો.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.06 ટકા ઘટીને 99.26 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 187.64 પૉઈન્ટનો અને 28.75 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવા છતાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.14 ટકા વધીને બેરલદીઠ 64.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના તેમ જ ગત બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4781.24 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button