ડૉલર સામે રૂપિયો વધુ નવ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશ ઉપરાંત આજે મોડી સાંજે જાહેર થનારા આઈઆઈપી અને જીડીપીનાં ડેટાની રાહમાં ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ નવ પૈસા નરમ પડીને 89.45ના મથાળે રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.36ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 89.41ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 89.49 અને ઉપરમાં 89.38ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસા ઘટીને 89.45ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 14 પૈસા તૂટ્યો હતો.
એકંદરે ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી, માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં માગ જેવા કારણોસર આજે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિ જોતા આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 89.25થી 89.70 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
આ પણ વાંચો: આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતા રૂપિયો 14 પૈસા તૂટ્યો
દરમિયાન ગઈકાલે નાણાં મંત્રાલયે જાહેર કરેલી માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું કે ગત માર્ચ અંતથી ઑક્ટોબર, 2025 દરમિયાન વૈશ્વિક ઊભરતા બજારોનાં ચલણોમાં જોવા મળેલા વલણ અનુસાર જ ડૉલર સામે રૂપિયામાં પણ 3.50 ટકાનો ઘસારો જોવા મળ્યો છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.18 ટકા વધીને 99.69 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.27 ટકા વધીને બેરલદીઠ 63.51 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 13.71 પૉઈન્ટનો અને 12.60 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



