લો ફરી પટકાયો રૂપિયો: આ છે કારણો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકાના ભાવિ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ અંગેની અનિશ્ર્ચિતતાઓ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો અને માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૫ પૈસા પટકાઈને ૮૪.૪૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત બીજા સત્રમાં લેવાલી જળવાઈ રહી હોવાના અહેવાલ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
Also read:મિડિયમ ગ્રેડની ખાંડમાં રૂ. ૪૨ની પીછેહઠ: કેન્દ્રની કોશિશ કામ ન લાગી
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૨૯ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૪.૩૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૪૮ અને ઉપરમાં ખૂલતી જ ૮૪.૩૮ની સપાટીની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૫ પૈસા ગબડીને ૮૪.૪૪ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઈકાલે રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયામાં સાધારણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ આજે ભાવિ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ આક્રમક વેપાર નીતિ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવતા રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સનાં ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનીલકુમાર ભણસાલીએ જણાવતા ઉમેર્યું હતું કે આવતી કાલે ડૉલર સામે રૂપિયો ૮૪.૩૦થી ૮૪.૫૫ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
Also read: ડૉલર નબળો પડતાં સોનામાં રૂ. ૪૮૫નો ઉછાળો, ચાંદીમાં રૂ. ૩૩નો સુધારો
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૪૬ ટકા ઘટીને ૧૦૬.૫૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૦.૦૨ પૉઈન્ટનો અને ૮૦.૪૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૧૫૭.૭૦ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ હતા.