ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે એકંદરે પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયો સાધારણ બે પૈસાના ઘટાડા સાથે 88.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.63ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.61ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.72 અને ઉપરમાં 88.65ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસા ઘટીને 88.65ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હતો.
આપણ વાચો: ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો…
વૈશ્વિક સ્તરે વેપારોમાં અનિશ્ચિતતા, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં જોવા મળી રહેલા સુધારાતરફી વલણને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળી શકે છે, પરંતુ સંભવતઃ જાહેર ક્ષેત્રની બૅન્કોની ડૉલરમાં વેચવાલી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રાખી શકે છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું અમારા મતે આગામી સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ 88.45થી 89 આસપાસની રહી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.14 ટકા વધીને 99.72 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.09 ટકા વધીને બેરલદીઠ 64.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 94.73 પૉઈન્ટ અને 17.40 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3263.21 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.



