ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા ઘટીને ઐતિહાસિક નીચી સપાટીએ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થઈને ત્રણ પૈસાના ઘટાડા સાથે નવી ઐતિહાસિક નીચી ૮૩.૬૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી ખરીદી રહી હોવાને કારણે રૂપિયામાં મોટો કડાકો અટક્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૩ના બંધ સામે ૮૩.૬૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૬ અને ઉપરમાં ૮૩.૬૦ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા ઘટીને ૮૩.૬૬ની સત્રની નીચી અને નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ગત ગુરુવારે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૬૩ની વિક્રમ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. તાજેતરમાં વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળી રહ્યું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહે તો રૂપિયાને અમુક અંશે ટેકો મળતો રહેશે. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૬ ટકા વધીને ૧૦૪.૩૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૩૮.૮૧ પૉઈન્ટનો અને ૨૬૯.૯૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૦૫ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૪૮૩.૬૩ કરોડની ચોખ્ખી લેવાલીને કારણે રૂપિયામાં મોટો કડાકો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.