ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ હેઠળ બોલાયેલા કડાકા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે પાંચ પૈસા ગબડ્યો હતો, પરંતુ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૫૬.૫૭ કરોડની લેવાલી રહી હોવાથી તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો એક પૈસા સુધી મર્યાદિત રહેતાં ૮૩.૧૩ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૨ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૮૩.૧૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૭ અને ઉપરમાં ૮૩.૧૩ની રેન્જમાં અથડાઈને અંતે એક પૈસો ઘટીને ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૬ ટકા વધીને ૧૦૩.૦૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૬૨૮.૦૧ પૉઈન્ટનો અને ૪૬૦.૩૫ પૉઈન્ટનો કડાકો બોલાઈ જતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ તેની સામે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૨.૦૯ ટકા ગબડીને બેરલદીઠ ૭૬.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૫૬.૫૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.