ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા તૂટીને નવી નીચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સરકારે આજે વર્તમાન નાણાકીય વર્ષ માટેનાં અંદાજપત્રના પ્રસ્તાવોમાં મૂડીગત આવક સામેના વેરામાં વધારો કર્યો હોવાના નિર્દેશ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૭૧ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૬ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૬૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૨ અને ઉપરમાં ૮૩.૬૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને નવી ૮૩.૭૧ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે સરકારે લૉંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવાની સાથે ઈન્ડેક્સેશનનાં લાભો દૂર કરતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સ એલએલપીનાં ટ્રેઝરી વિભાગના હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનીલકુમાર ભણસાલીએ જણાવ્યું હતું. તે જ પ્રમાણે બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારાની જાહેરાત કરતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટ ગબડતાં આજે સત્રના આરંભે ડૉલર સામે સુધારાના અન્ડરટોને ખુલેલો રૂપિયો સત્રના અંતે પાંચ પૈસા ઘટીને નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અમારા મતે આગામી સમયગાળામાં ડૉલર સામે રૂપિયો નરમાઈતરફી રહેશે, તેમ છતાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળે તો રૂપિયાને અમુક અંશે ટેકો મળશે.