ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો પાંચ પૈસાનો સુધારો ધોવાઈને અંતે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮.૪૯ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૦ અને ઉપરમાં ૮૩.૪૫ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ એક પૈસો વધીને ૮૩.૪૯ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે ટ્રેડરોએ મોડી સાંજે અમેરિકાનાં જોબ ડેટાની જાહેરાત થવાની હોવાથી સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં નીકળી રહેલી લેવાલીને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં ૮૩.૨૦થી ૮૩.૮૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય.
ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના વધ્યા મથાળાના બંધ સામે ૦.૧૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૭ ડૉલરની ઉપર ૮૭.૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૫૩.૦૭ ઘટીને અને ૨૧.૭૦ પૉઈન્ટ વધીને બંધ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૬ ટકા ઘટીને ૧૦૫ની સપાટીની અંદર ૧૦૪.૯૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૫૭૫.૮૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી અમુક અંશે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.