ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે પાછોતરા સત્રમાં વેચવાલીનું દબાણ વધતાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો નવ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૪૪ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૩ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૩૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૮ ઉપરમાં ૮૩.૩૪ સુધી મજબૂત થયા બાદ અંતે ૮૩.૪૪ના મથાળે બંધ રહ્યો હતો.
આજે એકંદરે ડૉલર સામે રૂપિયામાં ભારે ચંચળતા જોવા મળી હતી. ખાસ કરીને આરંભિક તબક્કામાં મજબૂત વલણ જોવા મળ્યું હતું, પરંતુ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સને ૧૦૪.૮૦ની સપાટીએ મજબૂત ટેકો મળતાં ગઈકાલના બંધ સામે ૦.૦૧ ટકા વધીને ૧૦૪.૮૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા વધીને બેરલદીઠ ૮૫.૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયો ૮૩.૨૫થી ૮૩.૬૦ની રેન્જમાં રહે તેવી શક્યતા છે. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સાધારણ ૩૬.૪૫ પૉઈન્ટનો સુધારો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૪૧.૯૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.