વેપાર

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળવાની સાથે ગત એપ્રિલ મહિનામાં દેશની નિકાસમાં સાધારણ વધારો થયો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૧ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૧ અને ઉપરમાં ૮૩.૪૭ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ એક પૈસો વધીને ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે અમેરિકામાં એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં સાધારણ વધારો થયો હોવા છતાં માર્ચ મહિનાના આંકમાં સુધારો કરીને ઘટાડો કરવામાં આવ્યો હોવાથી એપ્રિલનાં ડેટામાં ખાસ વધારો ન થયો હોવાનું ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું.
જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧૫ ટકા ઘટીને ૧૦૪.૮૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા વધીને બેરલદીઠ ૮૨.૫૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૧૭.૫૮ પૉઈન્ટનો અને ૧૭.૩૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૦૬૫.૫૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં મોટો ઉછાળો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button