વેપાર

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી પ્રબળ રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૭૩ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૭૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૫ અને ઉપરમાં ૮૩.૭૦ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે એક પૈસાના સુધારા સાથે ૮૩.૭૨ની ખૂલતી સપાટીએ જ બંધ રહ્યો હતો.

એકંદરે આજે ટ્રેડરોની નજર આજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પર તેમ જ આવતીકાલની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની મૉનૅટરી પૉલિસીની બેઠકના નિર્ણય પર હોવાથી સાવચેતીનું વલણ રહ્યું હતું. તેમ છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૬ ટકા ઘટીને ૧૦૪.૧૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૮૫.૯૪ પૉઈન્ટનો અને ૯૩.૮૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.

તેમ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૫૯૮.૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી તેમ જ મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૨.૨૬ ટકા ઉછળીને બેરલદીઠ ૮૦.૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button