ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે સમાપન થયેલી નાણાનીતિની સમીક્ષામાં બૅન્ચમાર્ક દર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાની સાથે ભવિષ્યની બેઠકમાં ન્યૂટ્રલ વલણ અપનાવવાનો અને વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસો વધીને ૮૩.૯૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારો અટક્યો હોવાથી રૂપિયામાં પણ મોટો સુધારો અટક્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિક બજારમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૯૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૨ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો.
દરમિયાન આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ તેની મૉનૅટરી પૉલિસીની બેઠકમાં સતત ૧૦મી વખત બૅન્ચમાર્ક દર યથાવત્ રાખ્યા હતા, પરંતુ વલણ જે અગાઉ સુસંગત (એકોમોડેટિવ) હતું તે બદલીને તટસ્થ અથવા તો ન્યૂટ્રલ કર્યું હતું અને આગામી બેઠકોમાં વ્યાજદરમાં કપાત મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આમ એકંદરે રિઝર્વ બૅન્કે બદલેલા વલણને ધ્યાનમાં લેતા આજે ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં મધ્યપૂર્વના દેશોની રાજકીય-ભૌગોલિક સ્થિતિ અને ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકા વધીને ૧૦૨.૬૩ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૨ ટકા વધીને બેરલદીઠ ૭૭.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૬૭.૭૧ પૉઈન્ટનો અને ૩૧.૨૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૭૨૯.૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.