ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૩૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નિરસ વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગત શનિવારે વેચવાલી રહી હોવાથી રૂપિયામાં મોટો સુધારો અટક્યો હોવાનું વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.
ગઈકાલે સ્થાનિકમાં લોકસભાની ચૂંટણીને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટ બંધ રહ્યા બાદ આજે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૩૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૩૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૬ અને ઉપરમાં ૮૩.૨૬ સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૩૧ની સપાટીએ બંધ રહ.ો હતો. એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૭ ટકા ઘટીને ૧૦૪.૩૮ આસપાસ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૨.૯૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન લોકસભાની ચૂંટણીમાં હાલની સરકારનો વિજય થાય તેવા આશાવાદને કારણે પણ રૂપિયાના સુધારાને હાલમાં ટેકો મળી રહ્યો છે.
વધુમાં તાજેતરમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના ઘટતા ભાવનો ટેકો મળ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગનાં વિશ્ર્લેષક જતીન ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩થી ૮૩.૫૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૨.૬૩ પૉઈન્ટનો ઘટાડો અને ૨૭.૦૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ગત શનિવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૯૨.૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.