ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૯૫ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૯૫ના મથાળે બંધ રહ્યો હતો. મધ્યપૂર્વના દેશોમાં ખાસ કરીને ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવમાં વધારો થઈ રહ્યો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે. તેમ છતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા પ્રબળ બની રહી હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં નરમ અન્ડરટોનનો રૂપિયાને થોડોઘણો ટેકો મળી રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા ઘટીને ૧૦૨.૪૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૪૯.૮૫ પૉઈન્ટ અને ૪.૭૫ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.