ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનો અન્ડરટોન અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થઈને સત્રના અંતે બે પૈસાના સુધારા સાથે ૮૩.૫૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૧૩૭.૦૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૩ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૫૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૫ અને ઉપરમાં ૮૩.૪૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પેસા વધીને ૮૩.૫૧ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકા ખાતે ગત જૂન મહિનામાં ફુગાવામાં જોવા મળેલા ઘટાડાની સાથે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી રહી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૬૨૨ પૉઈન્ટ અને ૧૮૬.૨૦ પૉઈન્ટની તેજી સાથે નવી વિક્રમ સપાટીએ બંધ રહ્યા હતા, જ્યારે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા ઘટીને ૧૦૪.૩૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૪ ટકા ઉછળીને બેરલદીઠ ૮૬.૨૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.