વેપાર

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં બાહ્ય પ્રવાહ જળવાઈ રહ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ સુધારાતરફી રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૩ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૩૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૦ અને ઉપરમાં ૮૩.૩૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. વૈશ્ર્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં સુધારાતરફી વલણ અને એશિયન અને યુરોપિયન બજારમાં મિશ્ર વલણ રહેતાં આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં સાધારણ નરમાઈતરફી વલણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય, એમ બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં મધ્ય પૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થવાથી રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો જરૂર મળી રહ્યો છે. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૪ ટકા ઘટીને ૧૦૫.૬૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૮૬.૫૦ પૉઈન્ટનો અને ૧૬૭.૯૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button