વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો જોવા મળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૧૧૫.૩૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૫ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૬ અને ઉપરમાં ૮૩.૧૧ની સાંકડી રેન્જમાં વધઘટે અથડાઈને અંતે બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો.

અમેરિકાનાં પીએમઆઈ ડેટાની જાહેરાત પૂર્વે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને જાપાનીઝ યૅનમાં સુધારો જોવા મળતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, રાતા સમુદ્રની સમસ્યાની ચિંતા અને ક્રૂડતેલના ભાવવધારાને કારણે રૂપિયામાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં યુરોઝોન, યુકે અને જર્મનીના પીએમઆઈ ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૪૮ ટકા ઘટીને ૧૦૩.૧૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૮૯.૭૬ પૉઈન્ટનો અને ૨૧૫.૧૫ પૉઈન્ટનો સુધારો આવતા રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૩૫ ટકા વધીને બેરલદીઠ ૭૯.૮૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સુધારો મર્યાદિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ