વેપાર

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બે પૈસાના સુધારા સાથે ૮૩.૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ સુધારાતરફી રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૩ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૫૯ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૪ અને ઉપરમાં ૮૩.૫૧ની રેન્જમાં અથડાઈને અંતે બે પૈસાના સુધારા સાથે ૮૩.૬૧ના મથાળે બંધ રહ્યો હતો.

તાજેતરમાં ઈક્વિટી માર્કેટમાં સુધારો અને નબળા ડૉલરનો રૂપિયાને ટેકો મળી રહ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક જતીન ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે આજે એશિયન ડેવલોપમેન્ટ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષ માટે દેશનો આર્થિક વૃદ્ધિદર સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો હોવાથી પણ રૂપિયાને ટેકો મળ્યો છે.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૫ ટકાના સુધારા સાથે ૧૦૦.૫૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૭૮૪.૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો, પરંતુ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૫૫.૮૩ પૉઈન્ટનો અને ૬૩.૭૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૫ ટકા ઘટીને બેરલદીઠ ૭૪.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં બે પૈસાનો મામૂલી સુધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા