વેપાર

ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારનાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે કોન્સોલિડેટ થઈને અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૫૮ના મથાળે બંધ રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૧ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૫૯ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૦ અને ઉપરમાં ૮૩.૫૮ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ઘટીને ૮૩.૬૧ના મથાળે રહ્યો હતો. દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના બંધ સામે અનુક્રમે ૫૧.૬૯ પૉઈન્ટ અને ૨૬.૩૦ પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૬૮૪.૭૮ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ હતા. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૮ ટકા ઘટીને બેરલદીઠ ૮૪.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૧ ટકા વધીને ૧૦૪.૨૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સુધારો સીમિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button