ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૪૬ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મધ્યસત્ર બાદ નીકળેલી વ્યાપક વેચવાલી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૬ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૪ અને ઉપરમાં ૮૩.૩૪ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૪૬ની સપાટીએ બંધ રહ્યો હતો. ફેડરલ રિઝર્વે સતત છઠ્ઠી નાણાનીતિની સમીક્ષામાં વ્યાજદર યથાવત્ રાખ્યા હોવા છતાં ભવિષ્યમાં ક્યારથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેની કોઈ સ્પષ્ટતા ન કરી હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૬૪.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૦ ટકા ઘટીને ૧૦૫.૦૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૪ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૬૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.