ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આરંભિક સુધારો ધોવાઈને અંતે બજાર ઘટાડાના અન્ડરટોને બંધ રહી હોવા છતાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬૯.૦૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૪૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૫ના બંધ સામે નરમાઈના ટોને ૮૩.૪૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૨ અને ઉપરમાં ૮૩.૪૧ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૪૨ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ચંચળતાં અને આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકને ધ્યાનમાં લેતાં ટ્રેડરોએ અપનાવેલા સાવચેતીનાં અભિગમને કારણે રૂપિયો રેન્જ બાઉન્ડ રહ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગનાં રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું.