ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તથા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ધીમો સુધારો આગળ વધ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૩૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૬ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૩.૩૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૯ અને ઉપરમાં ૮૩.૨૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા વધીને ૮૩.૩૬ના મથાળે બંધ રહ્યો હતો. અનુસાર આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૧ ટકા ઘટીને ૧૦૬.૦૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૯.૮૩ પૉઈન્ટનો અને ૩૧.૬૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, તેની સામે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૯ ટકા વધીને બેરલદીઠ ૮૭.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૯૧૫.૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો ત્રણ પૈસા સુધી સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.