ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો, ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૮૧૪૭.૮૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના તેમ જ ગત નવેમ્બર મહિનાના ઉત્પાદનના પીએમઆઈ આંકમાં સુધારો જોવા મળવા ઉપરાંત અન્ય આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવ્યા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ૮૩.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૬ અને ઉપરમાં ૮૩.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસા વધીને ૮૩.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૯ ટકા ઘટીને ૧૦૩.૩૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૩ ટકા ઘટીને બેરલદીઠ ૮૦.૬૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૯૨.૭૫ પૉઈન્ટની અને ૧૩૪.૭૫ પૉઈન્ટની તેજી જોવા મળી હોવાથી રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હતું.