વેપાર

ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૨.૫૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ૮૨.૯૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૦૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૯ અને ઉપરમાં ૮૨.૯૪ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસા વધીને ૮૨.૯૬ની સપાટીએ બંધ રહ્યો હતો. તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતું હોવાથી અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રૂપિયામાં ધીમો સુધારો જળવાઈ રહેશે. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૨ ટકા વધીને બેરલદીઠ ૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button