વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ચંચળતાના વલણ વચ્ચે માસાન્તને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં તેલ આયાતકારોની લેવાલી અને ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો ૧૦ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે સાધારણ ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૧૬ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૧૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૨ અને ઉપરમાં ૮૩.૧૦ની રેન્જમાં અથડાઈને અંતે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૧૬ના મથાળે બંધ રહ્યો હતો.

જોકે આજે બજારમાં શોર્ટ કવરિંગને કારણે ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ કપાતનાં આશાવાદને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે તાજેતરની ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ખાસ કરીને તેલ માર્કેટિંગ કંપનીઓની માસાન્તને કારણે ડૉલરમાં લેવાલી નીકળતાં રૂપિયો થોડાઘણા અંશે દબાણ હેઠળ આવ્યો હતો.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા ઘટીને ૧૦૧.૩૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી ૦.૮૯ ટકા વધીને બેરલદીઠ ૭૭.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૭૦.૧૨ પૉઈન્ટનો અને ૪૭.૩૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button