વેપાર

ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ રહી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૦૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની અને આવતીકાલની બૅન્ક ઑફ જાપાનની નીતિવિષયક બેઠક પૂર્વે ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૧ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૧૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૭ અને ઉપરમાં ૮૩.૦૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૦૬ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાની સાથે ફુગાવા સામેની લડત લાંબી ચાલવાનો અને આ વર્ષમાં હજુ એક વખત વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપ્યો હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે રૂપિયો નરમાઈના અન્ડરટોને ખૂલ્યો હતો, પરંતુ ક્રૂડતેલના ઘટતા ભાવને કારણે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા વધીને ૧૦૫.૫૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૭૦.૬૦ પૉઈન્ટનો અને ૧૫૯.૦૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૧૧૦.૬૯ક કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૫ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૯૨.૫૫ ડૉલર આસપાસના મથાળે રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button