વેપાર

ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો

મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આગળ ધપતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સપ્તાહમાં પહેલી વખત ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૧૬ પૈસા વધીને અંતે ૧૧ પૈસાના સુધારા સાથે ૮૩.૧૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૭ અને ઉપરમાં ૮૩.૧૧ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૧ પૈસાના સુધારા સાથે ૮૩.૧૬ના મથાળે બંધ રહ્યો હતો.

ગત સોમવારથી ગુરુવાર સુધીનાં સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં ૨૪ પૈસાનું ધોવાણ થયા બાદ આજે સપ્તાહમાં પહેલી વખત ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૭ ટકા ઘટીને ૧૦૧.૪૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત બીજા સત્રમા બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૨૪૧.૮૬ પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ૯૪.૩૫ પૉઈન્ટ વધીને બંધ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૯૭ ટકા વધીને બેરલદીઠ ૮૦.૧૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૩૬.૧૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button