વેપાર

ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેવાની સાથે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા ઘટીને ૮૩.૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ, ઈક્વિટી માર્કેટમાં સુધારો અને આજથી શરૂ થઈ રહેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ત્રણ દિવસીય નાણાનીતિની સમીક્ષાની બેઠકને ધ્યાનમાં લેતા ટ્રેડરોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૦ અને ઉપરમાં ૮૩.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસા ઘટીને ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૧ ટકા વધીને બેરલદીઠ ૭૮.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૬૫૬.૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનાં અહેવાલને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો, પરંતુ થોડાઘણાં અંશે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા સાધારણ ૦.૦૩ ટકાના ઘટાડા અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૯૨.૨૭ પૉઈન્ટનો અને ૨૦૧.૦૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયો ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button