ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે છ પૈસાના ઘટાડા સાથે 83.51ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાને કારણે પણ રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું ટે્રડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 83.45ના બંધ સામે સાધારણ સુધારા સાથે 83.43ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.55 અને ઉપરમાં 83.42ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે છ પૈસા ઘટીને 83.51ના મથાળે બંધ રહ્યો હતો.
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 8.20થી 83.70ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસનાં વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો ભવિષ્યમાં મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવમાં વધારો થાય તો રૂપિયો વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.06 ટકા વધીને 105.09 આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.80 ટકા વધીને બેરલદીઠ 83.62 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જ્યારે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં આજે 17.39 પૉઈન્ટનો સુધારો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 33.15 પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 2391.98 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.