ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અન્ય ચલણો સામે મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે છ પૈસા નબળો પડીને ૮૩.૩૯ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૧૭૦.૩૨ કરોડની ચોખ્ખી લેવાલીનો ટેકો મળ્યો હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૩૩ના મથાળે બંધ રહ્યા બાદ આજે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે ખૂલ્યા બાદ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૦ અને ઉપરમાં ૮૩.૩૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૯ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૪ ટકા ઉછળીને ૧૦૪.૪૨ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૨ ટકા વધીને બેરલદીઠ ૮૬.૫૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે ૬૫૫.૦૪ પૉઈન્ટ અને ૨૦૩.૨૫ પૉઈન્ટના સુધારા તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૧૭૦.૩૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.