ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સાંકડી વધઘટ થતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા ઘટીને ૮૩.૯૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં બે ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૧ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૯૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૮ અને ઉપરમાં ૮૩.૯૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા નબળો પડીને ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે ડૉલર સામે અન્ય એશિયન ચલણો નબળા પડતાં રૂપિયામાં પણ નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સ ટ્રેઝરી વિભાગના હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનીલકુમાર ભણસાલીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે સંભવિત રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપને કારણે રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, હાલના તબક્કે ડૉલર સામે રૂપિયામાં ૮૩.૯૭ની સપાટી મહત્ત્વની ટેકા સપાટી પુરવાર થાય તેમ જણાય છે.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સાધારણ ૪.૪૦ પૉઈન્ટનો ઘટાડો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં સાધારણ ૧.૧૫ પૉઈન્ટનો સુધારો નોંધાયો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૫ ટકા વધીને ૧૦૧.૮૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, અમુક અંશે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૨.૧ ટકા ઘટીને બેરલદીઠ ૭૬.૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૭૩૫.૪૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાને થોડોઘણો ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.